Sunday 4 November 2012

નરેન્દ્ર મોદી


પ્રિય મિત્રો,
આજથી બરાબર ૧૧ વર્ષ પહેલા મુખ્યમંત્રી તરીકે ગુજરાતનાં લોકોની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો હતો. ૧૧ વર્ષની આ સફર અત્યંત યાદગાર અને સંતોષપ્રદ બની રહી. આ સફર દરમ્યાન મને ઘણી બાબતો શીખવા મળી, જે કાયમ મારા હ્યદયમાં સચવાયેલી રહેશે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નાં મંત્ર સાથે આજે ગુજરાત વિકાસનો પર્યાય બની ચૂક્યું છે. વિકાસનું એક એવું મોડલ ગુજરાતે વિકસાવ્યું છે જે રાજ્યનાં દરેક નાગરિકોનાં જીવનને સ્પર્શે છે.

જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળ્યો ત્યારે ગુજરાત ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નાં વિનાશક ભૂકંપની અસરો હેઠળ દબાયેલું હતું. ત્યારે લાગતુ હતું કે જાણે ગુજરાત ફરી ક્યારેય બેઠુ નહિ થાય. પરંતુ પુન:વસન અને પુન:નિર્માણની ઝડપી પ્રવૃત્તિઓ અને ફરી બેઠા થવા માટેનાં લોકોનાં અદમ્ય જુસ્સાને પરિણામે ગુજરાત ખૂબ જ થોડા સમયમાં વિકાસનાં માર્ગ પર આગેકૂચ કરવા લાગી ગયું. ગુજરાતની તે સમયની પુન:વસનની કામગીરીને રોલ-મોડલ સમાન માનવામાં આવે છે. આજે, કચ્છ ભારતનો સૌથી તેજ ગતિએ વિકાસ પામી રહેલો જિલ્લો ગણાય છે.

૨૦૦૧ વખતે લોકો મને વિનંતી કરતા કે ઓછામાં ઓછું સાંજે વાળુ કરતા સમયે વીજળી મળે એવું કરી આપો. આનાં ઉકેલ રૂપે જ્યોતિગ્રામ યોજના ઘડી કાઢવામાં આવી, જે અંતર્ગત ગુજરાતનાં ગામડાઓમાં ૨૪ કલાક નિરંતર થ્રી-ફેઝ વીજપ્રવાહ પૂરો પાડવામાં આવે છે. આનાં પરિણામો હવે સૌ કોઈ જોઈ શકે છે. ગ્રામીણ અર્થતંત્ર હવે ખાસ્સુ સશક્ત બન્યું છે અને ગામડાઓમાંથી શહેરો તરફ થતા સ્થળાંતરણમાં પણ ઘટાડો થયો છે.

આ પ્રકારનું કદમ ઉઠાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે. આ વર્ષે એપ્રિલમાં તો ગુજરાતે હજીય એક ડગલું આગળ વધીને ૬૦૦ મેગાવોટ સોલાર પાવર ક્ષમતા રાષ્ટ્રને ચરણે ધરી દીધી. પુન:પ્રાપ્ય ઊર્જાનાં અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવાની દિશામાં પણ આપણે ઝડપી વિકાસ કરી રહ્યા છે. કેટલાક લોકો મને પૂછે છે, “મોદીજી, તમારું રાજ્ય તો હવે પાવર-સરપ્લસ થઈ ચૂક્યું છે, તો પણ તમે આ બધા અંગે વિચારો છો?” હું તેમને કહું છું, અમે આ બધા પ્રયત્નો વર્તમાન પેઢી માટે નહિ પણ ભવિષ્યની પેઢીઓ માટે કરી રહ્યા છીએ.

વીજશક્તિ ઉપરાંત આપણે જળશક્તિનો લાભ લેવા માટે પણ કૃતનિશ્ચયી પ્રયાસો કર્યા છે. વર્ષ ૨૦૦૨ માં આપણે ગુજરાતભરનાં ગામડાઓમાં શુધ્ધ પાણી પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી વાસ્મોની રચના કરી. જનભાગીદારી અને અસરકારક જળવ્યવસ્થાપનને કારણે આજે ગુજરાતમાં ૧૭,૭૦૦ થી વધુ પાણી સમિતિઓ બની છે. આમાંથી મોટાભાગની સમિતિઓનો વહીવટ મહિલાઓ દ્વારા થાય છે, અને વાસ્મોને નવીન પ્રણાલીઓનાં ઉપયોગથી જનશક્તિને નીતિનિર્ધારણની પ્રક્રિયામાં જોડવા માટે સંયુક્ત રાષ્ટ્રનો પબ્લિક સર્વિસ એવોર્ડ પણ મળ્યો છે. પ્રાથમિક શિક્ષણ, અને ખાસ કરીને કન્યાઓ માટે શિક્ષણનું ક્ષેત્ર, એક એવી બાબત છે જેમાં અસરકારક વહીવટ દ્વારા હકારાત્મક પરિણામો મેળવવાની મારી નેમ છે. આથી જ ૨૦૦૪ માં આપણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનાં વિરાટ અભિયાનો શરૂ કર્યા.

આજે, ગુજરાતમાં શાળાપ્રવેશ દર ૧૦૦ ટકાએ પહોંચી ચૂક્યો છે અને ડ્રોપ-આઉટ દર છેલ્લા દશકમાં ઘટીને ૦૨ ટકા જેટલો રહ્યો છે. સાચે કહું તો મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા કરતાં પણ વધુ યાદગાર ક્ષણો મારા માટે આ નાનકડા ભૂલકાઓને પ્રથમ દિવસે આંગળી પકડીને શાળાએ લઈ જવાની છે. આ કાર્યક્રમોને પરિણામે અનેક બાળકો અને તેમનાં પરિવાર માટે એક સુંદર ભવિષ્યનું નિર્માણ થશે. ગુજરાતનાં વિકાસ પાછળ નારીશક્તિનો મોટો ફાળો છે.

ગુજરાતે સૌપ્રથમ વખત મહિલાઓનાં જીવનમાં બદલાવ લાવવા અને તેમને હોસ્પિટલમાં નિશુલ્ક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૫ માં ચિરંજીવી યોજના અમલમાં મૂકી. ચિરંજીવી યોજનાને પરિણામે માતા તથા શિશુઓનાં સ્વાસ્થ્યમાં મોટો સુધાર આવ્યો છે. નારીશક્તિને વિકાસપ્રક્રિયામાં ભાગીદાર બનાવવા આપણે ૨૦૦૬ માં નારીગૌરવ નીતિ અમલમાં મૂકી. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનાં ઉદ્દેશ્યથી ૨૦૧૦ માં મિશન મંગલમ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો.
આજે, મને કહેતા ગૌરવ થાય છે કે ૨.૫ લાખ સખીમંડળોનાં માધ્યમથી ગુજરાતની નારીશક્તિ રૂપિયા ૧૬૦૦ કરોડ જેટલી રકમની આર્થિક પ્રવૃત્તિઓ સંભાળે છે. જરા કલ્પના તો કરો, ગુજરાતની અનેક મહિલાઓનાં જીવનમાં આ યોજના થકી કેવો સુંદર બદલાવ આવ્યો હશે. આ અગાઉ ગુજરાત પોતાનાં ઉદ્યોગોને લઈને જાણિતું હતું, પણ વરસાદ તથા બારે માસ વહેતી નદીઓનાં અભાવને કારણે ગુજરાતને કૃષિ સાથે તો જાણે અણબનાવ હતો. પણ આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. કૃષિમહોત્સવોને કારણે ગુજરાતમાં કૃષિક્ષેત્રની કાયાપલટ થઈ ગઈ છે, અને ગુજરાત ભારતની બીજી હરિત ક્રાંતિનું જનક બન્યું છે.

ગુજરાતની કૃષિ આવકમાં ચાર ગણો વધારો થયો છે, એટલું જ નહિ, છેલ્લા દશકમાં રાજ્યનું કૃષિ ક્ષેત્ર ૧૧%નાં વિક્રમી દરે વૃધ્ધિ પામી રહ્યું છે. તમે ગામડાઓમાં જઈને જોશો તો ખ્યાલ આવશે કે કૃષિ ક્ષેત્રે આપણા ખેડુતભાઈઓ ઘણાં નવીન પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા દશકમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ જબરદસ્ત ઉંચાઈએ પહોંચ્યો છે.

ગુજરાતમાં અનેકવિધ ઉદ્યોગોનું અસ્તિત્વ જોવા મળે છે. ૨૦૦૩ માં શરૂ થયેલ દ્વિવાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે દુનિયાભરમાંથી ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવી રહ્યું છે. લોકોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળતી ન હોય તો વિકાસ પૂર્ણ થયેલો ન ગણાય. અને એટલે જ, આ વર્ષે ગુજરાત સરકારે એક અનોખો નિર્ણય કર્યો છે, જે અનુસાર મુખ્યમંત્રી અમૃતમ ‘માં’ યોજના હેઠળ ગરીબ દર્દીઓને ગંભીર માંદગીઓની સારવાર માટે રૂપિયા બે લાખ સુધીની સહાય આપવામાં આવશે.

વર્ષ ૨૦૦૭ થી સેવારત ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધાને તેની અસરકારક કામગીરી બદલ ચોતરફ બિરદાવવામાં આવી રહી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધા ૧.૭૫ લાખ લોકોનાં જીવન બચાવવામાં મદદરૂપ બની છે અને ૧૦ લાખ જેટલા પ્રસુતિનાં કેસોમાં સહાય પ્રદાન કરી છે. લોકોને ગરીબીનાં ભરડામાંથી મુક્ત કરવા વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૧૦૦૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓનાં માધ્યમથી ૮૫ લાખ જેટલા ગરીબ લાભાર્થીઓને રૂપિયા ૧૩,૦૦૦ કરોડની સહાય આપવામાં આવી છે. વહીવટી સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકાઓનું સશક્તિકરણ કરવાનાં ઉદ્દેશ્ય સાથે ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ (એટીવીટી) કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે તથા જનસેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં લોકોને ૧૨૪ પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. મિત્રો, આ યોજનાઓ અને કાર્યક્રમોની વિગતો દ્વારા મેં તમને ગુજરાતે છેલ્લા ૧૧ વર્ષની વિકાસયાત્રામાં આદરેલા પ્રયાસોની ફળશ્રુતિ આપી. હું કાયમ કહું છું કે આપણો એકમાત્ર ઉદ્દેશ્ય વિકાસ છે, અને ભવિષ્યમાં પણ એ જ રહેશે.

છેલ્લા અગિયાર વર્ષમાં આપણે ઘણી સિધ્ધિઓ મેળવી, પણ હજીય ઘણું કરવાનું બાકી છે. મને ખાત્રી છે કે આપ સૌનાં સહકારથી આવનાર વર્ષોમાં આપણે એક ભવ્ય અને દિવ્ય ગુજરાતનું નિર્માણ કરીશું.

હું ભારતીય જનતા પાર્ટીનાં મારા સાથી કાર્યકર્તાઓનો અત્યંત આભારી છું કે તેમણે મને સતત સહકાર આપ્યો અને મારા જેવા સામાન્ય માણસને ગુજરાતના લોકોની સેવાનો અવસર આપ્યો. ટીમ ગુજરાતનાં છ લાખ કર્મયોગીઓનાં સતત સહકાર વિના ૧૧ વર્ષની આ યાત્રા પૂર્ણ ન થઈ શકી હોત. તેમની ખંત અને પ્રતિબધ્ધતાએ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સિધ્ધ કરવા સક્ષમ બનાવ્યું છે.

અને છેલ્લે, હું છ કરોડ ગુજરાતઓનાં જુસ્સાને નમન કરું છું. તમારા પ્રેમ અને સ્નેહ મને સતત આગળ વધવાની ઊર્જા આપતા રહે છે, મને હજી વધુ મહેનત કરવા અને રાજ્યને વિકાસની નવી ને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા પ્રોત્સાહિત કરતા રહે છે. મને તમારી સાથે કામ કરવાનો અવસર મળ્યો એ માટે હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજું છું.

જય જય ગરવી ગુજરાત
નરેન્દ્ર મોદી

No comments:

Post a Comment